Header Ads

ઢીંગલી બહુ તોફાની-ગુજરાતી બાળગીત


 બાળમિત્રો 

                      નમસ્તે..... .

બાળકોને પોતાના રમકડાં ખુબ વહાલા હોય છે.જેમાં નાની બાળાઓને ઢીંગલી પ્રત્યે ખુબ લગાવ હોય છે, બાળકો તેની  સાથે કાલીઘેલી ભાષામાં વાતચીત પણ કરતા હોય છે.

     પ્રસ્તુત બાળગીતમાં નાનકડી બાળકી પોતે કેટલા ડાહ્યા કામ કરે છે, અને પોતાની વહાલી ઢીંગલી ને પણ એમ કરાવે છે. પણ ઢીંગલી  બહુ તોફાની છે. તેથી બાળકી  વહાલી ઢીંગલીની ફરિયાદ પોતાની બાને કરે છે.બાળકોને આ બાળગીત ગાવાની અને અભિનય કરવાની  ખુબ મજા પડશે તેવી આશા છે.

 

 ઢીંગલી બહુ તોફાની

 

બા મારી ઢીંગલી બહુ તોફાની રે...

      બા મારી ઢીંગલી બહુ તોફાની.

સમજાવી લાખ તોયે સમજી નહિ  રે...

      બા મારી ઢીંગલી બહુ તોફાની.

                     બા મારી ઢીંગલી...(૨)

         હું તો વહેલી સવારે જાગતી,

  • મારી ઢીંગલીને વહાલથી જગાડતી.

જોને સુરજ ચડ્યો છે આભલે,

 એને ખબર પડે ના જાગવાની રે...

                       બા મારી ઢીંગલી...(૨)

હું તો રોજ સવારે નાહતી,

મારી ઢીંગલીને વહાલથી નવડાવતી.

જોને સાબુ સુગંધી આપતી ,

 એને ખબર પડે ના નાહવાની રે...

                       બા મારી ઢીંગલી...(૨)

હું તો હાથ-પગ ધોઈને જમતી,

મારી ઢીંગલીને વહાલથી જમાડતી.

જોને બરફી ને પેંડા આપતી

  એને ખબર પડે ના જમવાની રે...

                       બા મારી ઢીંગલી...(૨)

હું તો પાટી-પેન લઈને લખતી,

મારી ઢીંગલીને વહાલથી લખાવતી.

જોને હાથ પકડીને લખાવતી,

  એને ખબર પાડે ના લખવાની રે...

                      બા મારી ઢીંગલી...(૨)

હું તો મેદાને રમવા ને આવતી,

મારી ઢીંગલીને સાથે લઈ આવતી.

જોને નવી નવી રમતો રમાડતી,

એને ખબર પડે ના રમવાની રે...

                      બા મારી ઢીંગલી...(૨)

હું તો રાતે વહેલી સુઈ જાતી,

મારી ઢીંગલીને સાથે સુવડાવતી.

જોને હાલરડાં મીઠા સંભળાવતી,

એને ખબર પડે ના સુવાની રે...

                      બા મારી ઢીંગલી...(૨)

Gujrati-balgeet




No comments